Wednesday, November 27, 2013

શહેરની શાનમાં થયેલો ઉમેરો એટલે સરદાર સ્મારકનો ૩ડી મેપિંગ શો

શહેરની શાનમાં થયેલો ઉમેરો એટલે સરદાર સ્મારકનો ૩ડી મેપિંગ શો


અમદાવાદ શહેર આજકાલ ખૂબ ઝડપથી વિકસી-વિસ્તરી રહ્યું છે. ગાળ આપનાર પ્રત્યે પણ એની પાસેથી કઈક મેળવ્યાથી ખુશ થતો અમદાવાદી હવે કરકસરીયો નથી રહ્યો. વીકએન્ડમાં કોઈ એક બોરિંગ ફિલ્મ જોવામાં અને ઘેર આવેલા મહેમાનોને ફરવા લઇ જવામાં તબિયતથી ખર્ચો કરી જાણે છે. ખાધું પીધું ને લહેર કરી. મહેમાનો પરથી યાદ આવ્યું, અમદાવાદમાં તમારા ઘેર કોઈ મહેમાન આવે અને પૂછે કે તમારા શહેર માં જોવા જેવું શું છે તો તમારા મગજમાં સૌથી પહેલું કઈ જગ્યાનું નામ આવે? આમ તો બહુ નામ આવે, સીદી સૈયદની જાળી, ગાંધી આશ્રમ, ઝૂલતા મિનારા, આજકાલ સરખેજ ના રોજા પણ કેટલાકને યાદ આવે, પણ ખરેખર તમે તમારા ગેસ્ટને ત્યાં લઇ જાઓ ખરા? ભણવામાં કાને પડેલા નામ બધા લેવાના પણ જવાનું તો કાંકરિયા ટોય ટ્રેન કે બલૂનની રાઈડ કરવા, બોટમાં બેસવા, સાબરમતી રિવરફ્રન્ટ કે પછી બંધ થવાની રાહ જોતા કોઈ નવા મોલમાં રાઉન્ડ મારવા! થોડા ઉત્સાહી જીવો અને ઉત્સાહી મહેમાનો ગાંધીનગર મંદિરોની મુલાકાતે પણ જઈ આવે, રાઈડમાં બેસે, શો જોવે અને દિવસ પસાર કરીને પરત! મોટા ભાગે તો આમ જ થતું હોય છે.

તો પ્રશ્ન ત્યાનો ત્યાં જ છે. જે હોય એ જોવા જવાય ને. કઈ નવું થાય શહેરમાં તો આપણે ત્યાં પણ જઈએ. તો બોસ, શહેરમાં કઈક નવું થઇ ચૂક્યું છે. ભારતભરમાં પ્રથમ વાર ૩ ડી મેપિંગ ટેકનોલોજી દ્વારા દર્શાવાતો ૪૫ મીનીટનો લાઈટ, વિડીયો, લેસર એન્ડ સાઉન્ડ શો આપણા અમદાવાદમાં દર્શાવાઈ રહ્યો છે. નથી ખબર ને! કઈ વાંધો નઈ...ગામડેથી કે ફોરેનથી, ગમે તે ગેસ્ટ આવે તેને લઈને જોવા જજો અને ગર્વ થી કહેજો કે જોયું, આપડા અમદાવાદમાં જોરદાર વસ્તુ દેખાડીને! ટીકીટ કેટલી એમ જ ને? ઓરીજીનલી તો આપણે અમદાવાદી જ ને, તો ભાઈ ટીકીટ ક્રિશ ૩ કે રામલીલા કરતા તો સસ્તી જ છે, ફક્ત ૬૦ રૂપિયા! વેરી ગૂડ, હવે ડીટેઈલ માં વાત કરીએ...

શાહજહાંએ આશરે ૪૦૦ વર્ષ પહેલા અમદાવાદમાં મોતીશાહી મહેલ બંધાવેલો. એવી વાયકા છે કે હાથીની અંબાડી પર બેસીને મહેલમાં પ્રવેશ કરવા આવેલો, પણ દરવાજાની ઊંચાઈ થોડી ખૂટી એટલે એ હાથી પર બેઠા બેઠા પ્રવેશ ન કરી શક્યો, એટલે એ કદી એમાં રહેવા ના આવ્યો. આ મહેલમાં આગળ જતા બ્રિટનના રાણી એલીઝાબેથે પણ મુકામ કરેલો. આ જ મહેલ આઝાદ ભારતમાં ગુજરાત રાજ્યના રાજભવન તરીકે ઓળખાયો. વખત જતા એ સરદાર સ્મારકના નામે ઓળખાયો.

આ જ જગ્યા એ ૩ ડી મેપિંગ ટેકનોલોજી દ્વારા લાઈટ્સ, લેસર, વિડિઓ અને ૩ ડીના ખૂબ સુંદર સમન્વયથી ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસ અને સરદાર વલ્લભભાઈ પટેલના જીવનના પ્રસંગો રજૂ કરવામાં આવે છે. બારડોલી સત્યાગ્રહ, ખેડા સત્યાગ્રહ, ગાંધીજી સાથેનો જેલવાસ, દેશી રજવાડાઓનું આઝાદ ભારતમાં વિલીનીકરણ વગેરે જેવા સરદાર વલ્લભભાઈ પટેલના જીવન સાથે સંકળાયેલા પ્રસંગો સિવાય ભારતીય સંસ્કૃતિ, ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ, ૧૮૫૭નો વિપ્લવ, જલિયાવાલા બાગની ઘટના વગેરેનું ઐતિહાસિક મૂલ્ય જળવાય તે રીતે આ શોમાં નિદર્શન કરવામાં આવે છે. જૂના મોતીશાહી મહેલ, પછીના રાજભવન અને હાલના સરદાર સ્મારકના મકાન પર જયારે પ્રોજેક્શન કરવામાં આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે આખો મહેલ ગોળ ગોળ ફરે છે. ક્યારેક મહેલની દીવાલો કોતરાતી હોય અને એમાંથી કોઈ મહાનુભાવના જીવન વિશેની વાત કે દ્રશ્ય આવે, જલિયાવાલા બાગના દ્રશ્યમાં શહીદોના વહેતા લોહીની સાથે આખો મહેલ જાણે લોહી સમા લાલ રંગથી રંગાઈ જાય છે. આઝાદીના દ્રશ્યમાં રંગબેરંગી ફુગ્ગા થી આખો મહેલ શોભી ઉઠે છે. મોગલ સામ્રાજ્યની વાત વખતે એક મોગલ કિલ્લામાં તબદીલ થતો મહેલ તરત જ અંગ્રેજ કોઠી બની જાય છે.

ટેકનોલોજી સિવાય પણ આ શો માં ગમે એવું ઘણું બધું છે. જેમ કે રાજકીય હેતુ કે મહત્વાકાંક્ષાને પોષવા માટે મૂળ વાતમાં કોઈ ચેડા કે ડેકોરેશન કરવામાં નથી આવ્યું. નાના બાળકથી લઈને વૃદ્ધ સુધી સહુ કોઈને સમજાય અને રસ પડે તેવી શૈલીમાં રજૂઆત કરવામાં આવે છે. હા, સમય ચોક્કસ લાંબો છે, ખાસ કરીને ઐતિહાસિક વિષય વસ્તુ માટે! ૩ ડી મેપિંગ ટેકનોલોજીનો જાદુ વીસ મીનીટ સુધી તો બીજું કઈ વિચારવા જ નથી દેતો, પણ પછી ઐતિહાસિક સંદર્ભની માહિતી વિના અને એ સંદર્ભો માટે રસ ન હોય તો મજા પડે પણ કદાચ જલસો ન પડે.

એક વસવસો છે, આ શો કદાચ ફક્ત હિન્દીમાં છે. ‘કદાચ’ એટલા માટે કે હવે અહી અંગ્રેજીમાં પણ શો ચાલુ થયો હોઈ શકે. આ શો જો અંગ્રેજીમાં હોય તો પરદેશથી આવતા મુસાફરો અને ‘મહેમાનો’ પણ આપના ભવ્ય સાંસ્કૃતિક વારસાનો અનુભવ કરીને ધન્યતા અનુભવી શકે.

આજ શો કદાચ કોઈ ધાર્મિક સંસ્થા દ્વારા કોઈ સંત મહાત્માના જીવન વિશે દર્શાવતો હોત તો આપણે સહુ મિત્રો, સગા સંબધીઓ, પડોશીઓ, બધાની સાથે જતા હોત અને મુખ માધ્યમથી જાહેર સામાજિક મેળાવડાઓમાં એના વિશે ચર્ચા કરતા હોત. પણ ખેર, ગાંધી, સરદાર, વિવેકાનંદ કે નેહરુ માંથી કોણ મહાન એ ચર્ચાને અભરાઈ પર ચડાવી દઈને આપણે મિત્રો પરિવાર સહિત જોવા જઈએ અને લોકો સુધી આ વાત ગર્વ ભેર પહોંચાડીએ તો ય ઘણું છે.

વધુ માહિતી માટે સરદાર સ્મારક ભવન, શાહીબાગનો ફોન નંબર ૦૭૯ – ૨૨૮૬ ૭૦૨૭ પર સંપર્ક કરી શકાય.


હર્ષ વસનાણી, ૨૭.૧૧.૨૦૧૩ 

No comments:

Post a Comment