Tuesday, October 29, 2013

સ્ટેનોગ્રાફર બનવાનો ક્રેઝ

ગુજરાતના યુવાનોમાં સ્ટેનોગ્રાફર બનવાનો ક્રેઝ ટૂંક સમયમાં જ આવવાનો છે. સ્ટેનોગ્રાફરને આજના યુગમાં એક અગ્રણી અખબારના રાજકીય બાબતોના તંત્રી એટલેકે પોલીટીકલ એડિટરનો હોદ્દો મળે છે. આજકાલ સ્ટેનોગ્રાફર્સને ખૂબ મોટી રકમનું મહેનતાણું મળે છે. આજકાલ કેટલાક સ્ટેનોગ્રાફર્સને તો અખબાર માલિકો કાર – બંગલો વગેરે જેવી સુવિધાઓ પણ પૂરી પાડે છે.

હમણા આવા જ એક વરિષ્ઠ સ્ટેનોગ્રાફર ભાઈ એ લોચો માર્યો. આમ તો એમણે લોચો માર્યો એવું ન કહેવાય કેમ કે એનું કામ તો સામે વાળી વ્યક્તિ જે બોલે એ લખી નાખવાનું છે. સામે વાળી વ્યક્તિ એ કહ્યું કે નેહરુ સરદાર પટેલની અંતિમ યાત્રામાં પણ નહોતા આવ્યા, એટલે સ્ટેનોગ્રાફર ધર્મ પ્રમાણે સીનીયર સ્ટેનો ધીમંતભાઈ એ છાપામાં લખી-છાપી નાખ્યું કે હા બરોબર, નેહરુ સરદાર પટેલની અંતિમ યાત્રામાં પણ નહોતા આવ્યા. એ કઈ સ્ટેનોની ફરજ ઓછી છે કે ઇતિહાસની ચાર ચોપડી ઉથલાવે, ગૂગલ દેવતાને પૂછે, બે પાંચ વ્યક્તિઓનો અભિપ્રાય માંગે...આ બધું તો પત્રકારો કે તંત્રીઓ કરે, સ્ટેનો એ તો સાહેબ જે બોલે એ લખી છાપી નાખવાનું.

ભારતીય પત્રકારત્વના ઇતિહાસમાં આવી ઘટનાઓ ભાગ્યે જ બની હશે કે કોઈ એક વ્યક્તિની મહત્વાકાંક્ષાને પોષવા માટે કોઈ રાજકીય નેતા ગરીમા વિહીન ભાષા અને તથ્યોનો ઉપયોગ કરે અને સીનીયર કહેવાતા પત્રકારો એની ખરાઈ કર્યાં વિના એ મોટા હેડિંગ સાથે છાપી નાખે. દિવ્યભાસ્કર અખબારની તા. ૨૭.૧૦.૨૦૧૩ને રવિવારની આવૃત્તિમાં મોટા મથાળા સાથે ધીમંતભાઈ એ લખ્યું ‘નેહરુ સરદાર પટેલની અંતિમ યાત્રામાં પણ નહોતા આવ્યા: મોદી’. તરત જ કોંગ્રેસ હરકતમાં આવી અને રાજમોહન ગાંધીના પુસ્તકના અવતરણો ટાંકવામાં આવ્યા કે નેહરુ અને રાજાજી (સી.રાજગોપાલાચારી) સાથે વિમાન માર્ગે સરદારની અંતિમ યાત્રા માટે આવ્યા. રાજેન્દ્રબાબુ પણ આવી પહોચ્યા. કોઈક વેબસાઈટ પર સરદાર સાહેબની અંતિમ યાત્રાના ફૂટેજમાં નેહરુ દેખાયા. અને આજે મંગળવારે આ સમાચાર છાપનાર અખબાર એક નાની કૂપન સાઈઝમાં એવી સ્પષ્ટતા લખે છે કે ‘રવિવારે ૨૭ ઓક્ટોબરના અંકમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ટાંકીને સરદાર પટેલની અંતિમ યાત્રા વિશે જે સમાચાર પ્રસિદ્ધ થયા હતા તેમાં ‘ભાસ્કર’ના રિપોર્ટરને મોદીએ કોઈ સત્તાવાર ઇન્ટરવ્યું કે નિવેદન આપ્યું નહોતું. આ ત્રુટી બદલ અમને ખેદ છે.’

કોંગ્રેસ પણ આ મુદ્દે થોડી નબળી સાબિત થઇ એવું કહી શકાય. અર્જુનભાઈએ કેટલાક પુસ્તકોના સંદર્ભ આપ્યા અને અન્ય કોઈ રાજ્યના કોંગ્રેસીઓ કોઈ વિદેશી વેબસાઈટનો સંદર્ભ આપતા દેખાયા. પરંતુ દેશના પ્રથમ વડાપ્રધાન અને પ્રથમ નાયબ વડાપ્રધાનની ગરીમા પર લાંછન લગાડતી ટીપ્પણી પર કોંગ્રેસના રાષ્ટ્રીય સ્તરના નેતાઓ ચૂપ રહ્યા. ખરેખર તો આ મુદ્દે ભારત સરકારે જ વાંધો ઉઠાવવો જોઈએ. પણ દરેક બાબતે થાય છે એમ કોંગ્રેસ મૂક પ્રેક્ષકની ભૂમિકા સારી રીતે અદા કરી ગઈ. 

અહી પ્રશ્ન એ ઉપસ્થિત છે કે જો આ ત્રુટી એક અખબારની હેડલાઈન બની શક્તિ હોય તો આવા બિઝનેસ ગૃપને અખબાર ચલાવવાનો હક છે ખરો? એક વ્યક્તિ પોતાની અંગત મહત્વાકાંક્ષા સંતોષવા માટે રોજ બરોજ નવા નવા જુઠ્ઠાણા ચલાવે છે. જેમકે,

એમના શાશન પહેલા ગુજરાત ઉપર વર્લ્ડ બેંકનું ૫૦૦૦૦ કરોડ રૂપિયાનું દેવું હતું, એમના સાશન થકી આજે ગુજરાતના એક લાખ કરોડ વર્લ્ડ બેંક માં જમા પડ્યા છે.

એમણે ઉત્તરાખંડ હોનારતમાં એક દિવસમાં અમુક હજાર ગુજરાતીઓને બચાવી લીધા.

ઇન્દીરા ગાંધી મુસ્લિમને પરણ્યા હતા પણ આ તો સારું ના લાગે એટલે એમણે ગાંધી અટક અપનાવી લીધી.

સોશિયલ મીડિયા જેમ કે ફેસબુક, ટ્વીટર, વોટ્સએપ વગેરે પર એમના ખુશામતખોરો આ પ્રમાણેનું વર્તન કરે ત્યાં સુધી ઠીક છે, પણ જયારે રાજ્યમાં સૌથી વધુ વંચાતા અખબાર હોવાનો દાવો કરતી સંસ્થા એક ઐતિહાસિક વ્યક્તિ વિશે ઘસાતું વિધાન તથ્યોની ખરાઈ કર્યાં વિના એમનેમ છાપે અને પછી માફી પણ માગે એ પત્રકારત્વ માટે કાળા દિવસ સમાન છે.

લોકશાહીમાં વાણી સ્વાતંત્ર્ય છે પણ અહી કઈક જુદું જ થઇ રહ્યું હોવાનો આભાસ થાય છે. લોકશાહી વિશે વાર્તાલાપમાં તાજેતરમાં જ અમદાવાદના મહેમાન બનેલા ડૉ.બિનાયક સેને ખૂબ સરસ વાત કહી હતી. પ્રા. હેમંતકુમાર શાહના પ્રશ્ન ‘આજની રાજકીય પરિસ્થિતિમાં મતદાતા તરીકે નાગરિકો પાસે શું વિકલ્પ હોવો જોઈએ’ ના ઉત્તરમાં ડૉ.સેન કહે છે, ‘લોકશાહી એ માત્ર ચૂંટણી, મત, મતાધિકાર સુધી જ સીમિત નથી. લોકશાહી એટલે નાગરિકને તેના હક મળે, તે પોતાના હક વિશે જાગૃત થાય, તેના હકનું જતન થાય, જ્યાં તેના હક અવરોધાય ત્યાં અવાજ ઉઠાવવામાં આવે તેનું નામ લોકશાહી. આ પ્રક્રિયાનો એક નાનકડો ભાગ એટલે ચૂંટણી. માટે આપણે સહુ લોકશાહીના સંદર્ભમાં વિચાર કરતા થઈએ.’

હજી તો જાન આવવાને ખાસ્સી વાર છે ત્યારે હલકી કક્ષાના નિવેદનોનો દોર નેતાઓ દ્વારા ચાલુ થઇ ચૂક્યો છે. વડાપ્રધાન મનમોહન સિંઘમાટે પ્રોટોકોલ તોડતા ઓબામાના સમાચાર માધ્યમોમાં નથી આવતા પણ એક પાકિસ્તાની પત્રકારની વાત માનીને વડાપ્રધાનને ગામડાની મહિલા કહી દેતા નેતાઓને એક વિચાર પણ નથી આવતો. અને દેશી મહિલા શબ્દ તેમની ગામડા વિરોધી માનસિકતા છતી કરે છે એ પણ સમાચાર નથી બનતા.

આ નિવેદનબાજીમાં સરદાર વલ્લભભાઈ પટેલ અને પંડિત જવાહરલાલ નેહરુ જેવી હસ્તીઓને સામેલ કરવી એ જરા વધારે પડતું છે. બે દિવસ પછી સ્ટેચ્યુ ઓફ યુનીટીનું ખાતમૂર્હુત છે. સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતિમાં બનનારી આ મૂર્તિમાં એમના તમામ વિચારો અને કર્મોને જાણે આ સરકાર જડી દેવા માગે છે. સરદાર પટેલ અને નેહરુ જેવા સમર્પિત નેતાઓ અને વિદ્વાનો જેમના માટે સ્ટેચ્યુ કે ફોટો ગૌણ બાબત હતી તેમની ગરીમાનું હનન આ નિવેદનબાજીથી થઇ રહ્યું છે તે ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે અને અગ્રણી અખબારો એમાં જોડાઈ રહ્યા છે તે એનાથી પણ વધુ દુર્ભાગ્યની વાત છે.

અટલજી, અફસોસ કે તમે દીવા તળે અંધારાની કહેવતને સાચી પુરવાર કરી. તમે તમારી બીજી કેડર તમારી જેમ ગરિમાપૂર્ણ તૈયાર કરવામાં નિષ્ફળ ગયા. તમે તમારા દુશ્મનનો પણ માન મરતબો જળવાય એવી ભાષામાં જ વાત કરતા. સંસદમાં તમારા પક્ષના એક સભ્ય એ ઇન્દીરાજી વિશે ખરાબ કોમેન્ટ કરી ત્યારે તમે એ સભ્ય વતી માફી માગી હતી. ત્યારે તમારા જ પક્ષના વડાપ્રધાન પદના ઉમેદવારની ગૌરવ ગરીમા વિહીન ભાષા અને જૂઠનો પ્રચાર પ્રસાર શું તમારા અંતરાત્માને ઠેસ નથી પહોંચાડતો? શું તમે પણ ગુરુ દ્રોણની જેમ દુર્યોધનને ‘વિજયી ભવ’ના આશીર્વાદ આપશો કે ભીષ્મની જેમ ‘આયુષ્યમાન ભવ’ના આશીર્વાદ આપીને પોતાની સ્પષ્ટતા કરશો?

દેશના વડાપ્રધાન હોવું એટલે મસમોટા ગાડીઓના કાફલામાં ફરવું એટલું જ નથી, પરંતુ દેશમાં અને દેશની બહાર દેશની સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરવું. શું આટલી અકડ ધરાવતો માણસ દેશના વિચારો અને સભ્યતાનું યોગ્ય નિરૂપણ કરી શકશે? પોતાના અંગત હેતુ માટે ઇતિહાસને તોડી મરોડીને રજૂ કરનાર વ્યક્તિ વર્તમાનની હકીકતો સાથે શું કરશે? વડાપ્રધાન, દેશના શિલ્પી સરદાર અને નેહરુ વિશે પોતાના સ્વાર્થ માટે હકીકતોથી જોજનો દૂર બાબતો કહીને તેમની ગરીમા ન જાળવી શકે તે દેશના ગૌરવ અંગે કેટલો સભાન હોઈ શકે?

-        -   હર્ષ વસનાણી , ૨૯.૧૦.૨૦૧૩ 


भगत सिंह ने पहली बार पंजाबको 

जंगलीपन, पहलवानी व जहालत से

बुद्धिवाद की ओर मोड़ा था

जिस दिन फांसी दी गयी

उसकी कोठरी में लेनिन की किताब मिली

जिसका एक पन्ना मोड़ा गया था

पंजाब की जवानी को

उसके आखिरी दिन से

इस मुड़े पन्ने से बढ़ना है आगे, चलना है आगे


-     -  अवतारसिंह संधू ‘पाश’ 

1 comment: